પરમાત્મા વિશ્વના કણ-કણ માં છે. એ મારામાં પણ છે, એ તમારામાં પણ છે એ દરેક વસ્તુમા છે ત્યારે એક સાધકના મનમાં પ્રશ્નો ઉદ્ભવે કે એ કણે કણમાં છે તો એની ખોજ કરનાર કોણ? જે પોતે જ બધુ હોઈ તો એને શોધનાર કોણ? શુ તે એક સિવાય પણ બીજું કોઈ હોઈ શકે?
આવા અનેક પ્રશ્નો એક સાધકને અનુભવાતા હોઈ છે. અને આજ પ્રશ્નો તેને અલગ અલગ સાધના માર્ગ તરફ લઈ જાય છે. અને તેની પ્રકૃતિ પ્રમાણે અનેક સાધના માર્ગમાં જશે અને તેને માફક જે માર્ગ મળે તેને અવલંબિત કરી આગળ વધે છે. આવો જ એક માર્ગ છે ધ્યાન માર્ગ. જ્યારે કોઈ ગુરુની કૃપા થાય ત્યારે ગુરુ એ ઈશ્વરીય ઉર્જા સાથે સાધકને પરિચય કરાવે છે જે સર્વત્ર વ્યાપ્ત છે. ગુરુ એક સાધના પદ્ધતિ પણ આપે છે અને સાથે માર્ગ દર્શન પણ આપે છે. એક સાધક માટે ગુરુ ખૂબ મહત્વનો રોલ નિભાવે છે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે. અહીં ગુરુ માત્ર ઈસરો કરે છે, શિષ્ય એ ઈસારને ઓળખી આગળ વધે ત્યાર બાદ શિષ્યમાં જ્ઞાન ઉપજે છે.
સાધક જ્યારે તે માર્ગ પર ચાલે છે ત્યારે ગુરુકૃપામાં ધીમે ધીમે અનેક અનુભૂતિઓનો સાક્ષાત્કાર કરે છે અનેક સિદ્ધિઓ પણ મેળવે છે. પણ આ દરેકમાં આત્મ-સાક્ષાત્કાર એજ સાચું જ્ઞાન છે. કહેવાય છે કે આત્મ સાક્ષાત્કાર છેલ્લામાં છેલ્લું જ્ઞાન છે તેની આગળ સાધકની આત્મા જ તેનો ગુરુ થઈ જાય છે. ઘણા સાધક માત્ર અહીં અટકી જતા હોઈ છે. સાધકની સાચી યાત્રા તો આત્મસાક્ષાત્કાર બાદ શરૂ થતી હોય છે.
ધીરે ધીરે નિયમિત સાધના દ્વારા સાધક જ્યારે તે એક માં વિલીન થઈ પરત ફરે ત્યારે એ પરમ આનંદ નો અનુભવ કરી દરેક પ્રશ્નો ના જવાબ મેળવે છે. અને તર્ક વિતર્ક ની પરે પોતે ફરી તે સ્થાન, તે જગ્યા, તે શૂન્યતા ની જંખના કરતો થઈ જાય છે. આ સ્થિતિ વારંવાર મળતી નથી પણ આ એક વાર મળેલી સ્થિતી સાધકને વારંવાર તે તરફ જાવા આકર્ષિત કરે છે જેમ એક દારૂડિયાને દારૂ આકર્ષે છે તેવી જ રીતે સાધકને આ સ્થિતિ આકર્ષે છે. આથી જ અનેક સંતોએ એ સ્થિતિને દારૂની લત કરતા પણ વિશેષ જણાવી છે.
આ સ્થિતિને સાધક તેનો શબ્દ દ્વારા વર્ણન કરવા ઈચ્છે તો પણ તે કરી શકાતી નથી, માત્ર એક ઈસરો જ કરી શકે. અને આ ઈસરો પણ તે જ સમજી શકે જે તે સ્થિતિએ જય આવ્યો હોય. અન્ય માટે તો આ પ્રકારની વાત પાગલ માણસ સમાન જ હોઈ છે. એટલે જ ઘણા સંતો કહે છે ઈશ્વરને ઈશ્વરનો પાગલ જ પામી શકે. ઘણા સાધક માત્ર શબ્દોનો ઉપદેશ જાણી આ વસ્તુ સ્વીકારી આગળ વધે છે અને ઘણા પોતે જીવંત અનુભવ થકી આ જાણી આગળ વધે છે. તે એકમાં વિલીન થવું જ સર્વોચ્ચ આધ્યાત્મિક સ્થિતિ છે તેવું મારું માનવું છે. જ્યારે સાધકના જીવન માં અંતિમ સમય ચાલતો હોય ત્યારે આ અવસ્થામાં મૃત્યુ સાધકને અનંત સમય સુધી તે અવસ્થામાં રાખી શકે છે જેને મોક્ષ કહે છે. મારા ગુરુદેવના કહેવા મુજબ “મોક્ષ એક સ્થિતિ છે જે જીવન કાળ દરમિયાન પ્રાપ્ત કરવાની હોય છે” અને હું માનું છે એ મોક્ષની સ્થિતિમાં મૃત્યુ બાદ એ સ્થિતિ ગુમાવવાનો કોઈ અવકાશ જ રહેતો નથી. હા જીવન કાળ દરમિયાન પ્રાપ્ત મોક્ષની સ્થિતિ જવાની સંભાવનાઓ છે એટલે જ કદાચ લોકોની ગેર સમજ છે કે મોક્ષ તો મૃત્યુ બાદ જ મળે.
અહીં આ પોસ્ટની શીર્ષકમાં લખ્યું છે “જે સર્વત્ર છે તેનો સંગાથ…”. વાસ્તવમાં સર્વત્રનો સંગાથ હોઈ જ નહીં, સર્વત્ર એકજ છે. અને તે ભાવ થી લખનાર કોણ અને વાંચનાર કોણ? આવા અનેક પ્રશ્નો આવે. પણ જ્યારે આપણે અજ્ઞાનમાં હોઈએ ત્યારે એક નથી અલગ અલગ છીએ ત્યારે તે એક ને સમજવા માટે “જે સર્વત્ર છે તેનો સંગાથ…” આ વાક્ય સાચું છે પણ જ્યારે અજ્ઞાન દૂર થાય અને જ્ઞાન પ્રગટે ત્યારે તે વાક્ય પણ ખોટું છે. ખોટા થી સાચા તરફની યાત્રા જ સાચા અર્થમાં આધ્યાત્મિક પ્રગતિ છે.